

દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સાયબર ક્રાઇમના આ પ્રકારના કેસની તપાસની જવાબદારી સીબીઆઇને સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે દેશભર રાજ્યોને આદેશ કર્યો છે કે, ડિજિટલ એરેસ્ટના વિવિધ કેસની તપાસ માટે રાજ્ય સરકારો સીબીઆઇને સંમતિ આપે. આ રાજ્યોમાં વિપક્ષ દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાનો પણ સમાવેશ થાય છે.
‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ક્રાઇમનો જ એક પ્રકાર છે, જેમાં સાયબર ગુનેગારો પોતાને પોલીસ કે ઉચ્ચ અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ કે સરકારી એજન્સીના અધિકારીઓ તરીકે ઑડિયો-વીડિયો કૉલ કરીને પીડિતોને ડરાવે છે. આમ કરીને તેઓ પીડિતોને રીતસરના ડિજિટલ એરેસ્ટ એટલે કે ‘નજરકેદ’ કરીને બંધક બનાવી લે છે અને ખંડણી ઉઘરાવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, આ પ્રકારના કૌભાંડમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવાય છે. આ રીતે દેશમાં અત્યાર સુધી ₹3,000 કરોડથી વધુની રકમ પડાવી લેવાયાનું કહેવાય છે.
આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ને પણ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે આરબીઆઇને સ્પષ્ટતા માંગતા પૂછ્યું છે કે, સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા બૅંક ખાતાઓને (Mule Accounts- બીજાના નામે ખોલાવેલા ગેરકાયદે બૅંક ખાતા) ઓળખીને બંધ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કે મશીન લર્નિંગ ટૅક્નોલૉજીનો ઉપયોગ કેમ નથી કરાતો?



