

મહારાષ્ટ્રમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન યોજાવાનું છે, ત્યારે કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી પંચથી નારાજ થયા છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે, ‘ચૂંટણી મોકૂફ રાખવાનો પંચનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. અંતિમ સમયે ચૂંટણી સ્થગિત કરવાથી ઉમેદવારો સાથે અન્યાય થયો છે. આ ઉમેદવારો નામાંકન પત્રની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે.’ મુખ્યમંત્રી ફડણવીસે (Maharashtra CM Devendra Fadnavis) કહ્યું કે, ‘વિચારણા હેઠળની અરજીઓને કારણે કેટલીક જગ્યાએ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવાતા અન્ય ઉમેદવારો સાથે અન્યાય થયો છે. મને ખબર નથી કે ચૂંટણી પંચ કોની સલાહ લઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી હું કાયદા વિશે જાણું છું, જો કોઈ કોર્ટમાં ગયું હોય તો તેના કારણે ચૂંટણી સ્થગિત કરી શકાય નહીં.’ રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ કેટલીક જગ્યાએ સ્થગિત કરી દીધી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ ઉમેદવાર નામાંકન રદ થવાનો મુદ્દો લઈને કોર્ટમાં ગયો હોય, તો છેલ્લી ઘડીએ ચૂંટણી જ સ્થગિત કરી દેવી અન્ય ઉમેદવારો સાથે અન્યાય છે. ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે, પરંતુ ચૂંટણી સ્થગિત કરવી સંપૂર્ણપણે ખોટું છે.’ ફડણવીસે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવવાની વાત પણ કરી.



